Monday, April 9, 2012

એક અઠવાડિયાની રજાઓ


"તો ફિર અગલે વીક ચલતે હૈ ?" મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિથી ધીમનને પૂછ્યું. હું "નહિ" સાંભળવા માટે મનોમન  તૈયાર હતો. અમારો જમ્મુ જવાનો કાર્યક્રમ બની રહેલો. 

"હાં હા, ઔર વહાઁ સે કાશ્મીર ભી જાયેંગે " રૂપાએ વધારે પડતા ઉત્સાહ અને મને મિથ્યા લાગે તેટલી આશાથી લગભગ બૂમ પાડી. તેને જાણે કે ધીમન એમ જ માની જવાનો.  મને લાગ્યું કે તેમને એક બે વાર કહીએ, પણ તેઓ ચોક્કસ જ નહિ આવી શકે. 

"રજૌરી બહુત હી સુંદર જગહ હૈ. વહાં હમારી એક સ્ટુડન્ટ મેહવિશ  રહેતી હૈ, ઉસકે પાપા કી સ્કુલ હૈ વહાં. વહ કેહ રહી થી કી રજૌરી જરૂર આના બહુત મજા આયેગા,"   ફેહમિદા તેની હંમેશાની રીતે, જાણે રજૌરીમાં પહોંચવાની ખુશી અનુભવતી હોય તેમ, હંસતા-હંસતા બોલી અથવા બોલતા બોલતા હંસી તે મને સમજાયું નહિ. તેની પાસે દરેક વાત માં ખુશ થવાનું કૈંક કારણ હોય છે !

અમે ચારેય ધીમનના ઘરે બેઠા હતા.  ફેહમિદા અને રૂપાના મનમાં તો કાશ્મીરની કળીઓ ખીલવા લાગેલી પણ મારી અપેક્ષા  મુજબ ધીમનનો ચહેરો શિયાળાની ઠંડીથી ઠુંઠવાયેલા કાશ્મીરના વ્રુક્ષ માફક થીઝાવા જેવો થઈ  ગયો. તેનો જવાબ હજુ મળ્યો ન હતો, પણ મારા માટે તેના ન બોલવાનો અર્થ સાફ હતો :  "નહિ હો પાયેગા... " 

મને કોઈને મનાવવામા કે સમજાવવામાં બહુ મજા આવતી નહિ, ખાસ કરીને જયારે મારે એકનુંએક કારણ  વારંવાર સાંભળવાનું હોય. તેને સમજાવવા કરતા હું ફેહમિદા સાથે ફરી આવીશ તે વધારે યોગ્ય રહેશે, તેવું હું માનવા લાગ્યો. ફેહમિદા અને રૂપા બેઉ ની ઈચ્છા હતી કે અમે બંને કપલ સાથે જઈએ. ખરેખર ઈચ્છા તો અમારા ચારેયની હતી પણ તેનો આધાર ધીમન પર વધારે હતો કારણ કે મારે અને  ફેહમિદાને તો વૈષ્ણોદેવી જવાનું નક્કી હતું અને ત્યાં જમ્મુમાં અમિતે અમારી વ્યવસ્થા પણ કરી રાખી હતી. 

ધીમન અને રૂપાનું હજુ નક્કી થઇ શક્યું ન હતું તેનું મુખ્ય કારણ ધીમનની BPO ની નોકરી હતી જેમાં શની -  રવિ સિવાય તેને ભાગ્યે જ રજાઓ મળી શકતી અને શની - રવિ પણ મોટા ભાગે ઓફીસમાં જતા રહેતા. તેની ઈચ્છા રજા લેવાની હોય તો પણ તેને વિશ્વાસ હતો કે ઓફિસમાંથી તેને રજાઓ નહિ મળે. અમે ચારેય આ વાત જાણતા હતા અને છતાં પણ હવે ધીમન શું કહે છે તેની રાહ જોયા વિના મનોમન તૈયાર હતા જમ્મુ જવા માટે. 

ધીમને અમારી અપેક્ષા પ્રમાણે તેની જીભને થોડા પૂર્વાનુંમાંનીત વળાંકો આપ્યા, "જા તો શકતે હૈ પર છુટ્ટી મિલના મુશ્કિલ હૈ " વગેરે.

"વો હમ સબ જાનતે હૈ " રૂપાએ તેની સ્ત્રી સહજ અદાઓનો અતિરેક શરૂ કર્યો અને આંખો મોટી કરી, ડોળાઓને ખેંચી શકાય તેટલા બહાર કાઢ્યા. મોઢું મચકોડવું તેની આદત નહિ જાણે જરૂરત હતી માટે તે પણ  તેની થોડા ગુસ્સા વાળી નારાઝગી વ્યક્ત કરતી ચેષ્ટાઓમાં શામેલ થયું. રૂપાના આ બધા નખરા ધીમ ન કેવી રીતે વખાણી લેતો એ હું આજેય સમજી શક્યો નથી.

"હમ કુછ નહિ જાનતે. આપ કેહ દેના કી હંમે કોલકતા જાના પડેગા, ઘર મેં કોઈ ફંક્શન હૈ. બસ હમ કુછ નહિ જાનતે, બસ. હંમે તો જાના હૈ, કયું મોના દીદી?" રૂપાએ ધીમનને પોતાનો આખરી નિર્ણય સંભળાવી ફેહમિદાની સહમતિ માંગી.  ફેહમિદાને  ઘરમાં સહુ મોના કહેતા. દિલ્હીમાં પણ જે લોકો અમને વ્યક્તિગત રીતે ઓળખતા તે મોના જ ક હેતા. ત્યાર પછી રૂપા અને ધીમન બંને  બંગાળી ભાષામાં દલીલો કરવા લાગ્યા. અમે  બંગાળી સમજતા ન હોવા છતાં તેમના શારીરિક હાવભાવ અને વાચાળ  અભિવ્યક્તિને કારણે  તેઓનાં આવાજને મૂંગો કરી દઈએ તો પણ અડધી વાત તો સમજાય જતી. 

તેઓ બંગાળનાં રહેવાશી હતા. દિલ્હીમાં ધીમન એક BPO માં નોકરી કરતો. અન્ય BPO ની માફક અહી પણ તેને અતિશય કામ કરવું પડતું. તે બપોરે ત્રણ વાગ્યે ઓફીસ જવા નીકળતો. સંત નગરથી કિંગ્સ વે કેમ્પ સુધી લગભગ સાત કિલોમીટર તે બસ કે રીક્ષામાં જતો અને ત્યાંથી ઓફીસની કેબ તેને પીક અપ કરતી. લગભગ પાંચ વાગ્યે તે કામ શરુ કરતો અને રાત્રે ચાર વાગ્યા સુધી કામ કર્યા બાદ સવારે પાંચ વાગ્યાની આસપાસ કેબ તેને સંત નગર છોડવા આવતી. તેની આવી નોકરીને કારણે તે બંને એ દુનિયાના સમયથી અલગ પોતાના રાત દિવસ સેટ કરી લીધા હતા. તેઓ બંને સવારે પાંચ વાગ્યે ધીમન આવે ત્યારે ચા - નાસ્તો કરતા અને દુનિયા દિવસ ઊગતાની સાથે પોતપોતાની મજુરીમાં પરોવાય ત્યારે તે  બંને શાંતિની ઊંઘમાં સરી પડતા. લગભગ બપોરના એક વાગ્યે આ કપલ તેમની બાલ્કનીમાં બ્રશ કરતુ જોવા મળતું. અમારી  બાલ્કની તેની સામે જ હતી. અમે લોકો ક્યારેક  પોતપોતાની બાલ્કનીમાં ઉભા રહી વાતો કરતા. બપોરે બે વાગ્યા સુધીમાં લંચ પતાવી ધીમન ઓફીસ જવાની તૈયારી કરતો અને ત્રણ વાગ્યા સુધીમાં રોજ પોતાનું ટીફીન ઉઠાવી, રૂપાને "બાય બાય" કરતો, ગલીમાંથી ત્રણ વાર પાછા વળી રૂપાને જોતો જોતો  પોતાંની કમાવાની જવાબદારી પૂરી કરવા નીકળી પડતો. 

ધીમનના જતા રૂપા એકલી થઇ જતી અને સાંજ પડતા થોડી વાર અડોસ પડોસની સ્ત્રીઓ સાથે પોતાના  બંગાળી  મિશ્રિત હિન્દી લહેકામાં વાતો કરતી અને ફરીથી ઘરમાં ટીવીની ચેનલો ફેરવવા માંડતી. રાત્રે બે વાગ્યે ઉઠીએ તો પણ અર્ધપારદર્શક કાંચમાથી ટીવીનો વધ-ઘટ થતો પ્રકાશ જોઈ શકાતો. આમ તે સવારના પાંચ વગાડી દેતી. એક બે કલાક રાત્રે ઊંઘતી હશે પરંતુ તેની ખરી રાત તો સુરજ ઉગ્યા પછી ધીમન ઘરે આવે ત્યારે જ થતી. 

તેમના લગ્ન અમારાથી છ મહિના પહેલા થયેલા અને બે વર્ષના તેમના લગ્ન જીવનમાં તેઓ એક વખત કોલકતા દુર્ગા પૂજા વખતે એક અઠવાડિયાની રજા લઇ ગયેલા તે તેમની મોટી ઉપલબ્ધી. મહિનામાં એકાદ   રવિવારે દિલ્હીમાં ક્યાંક જઈ આવતા અને એકવાર જયારે શનિવાર ફ્રી હતો ત્યારે ધીમને આગ્રા મથુરાની એક બસ ટુર કરેલી. આ એક બે પ્રસંગોને રૂપા ખૂબ ખુશીથી વર્ણવતી રહેતી અને ત્યાં લીધેલા ફોટોને કોમ્પ્યુટરમાં સ્લાઈડ શો લગાવી જોતી રહેતી. અમે તેના ઘરે જઈએ ત્યારે અમને પણ તેમાના કોઈ ફોટો બતાવતી. લગભગ અડધો ડઝન વાર જોયા છતાં પણ  ફેહમિદા દરેક વખતે તેને ખૂબ  સહજ  રીતે વખાણી લેતી અને તેનો સદા પ્રફુલ્લિત ચહેરો મલકાવીને તેમની ટ્રીપ અંગે વાતો પણ કરતી. મારાથી એ ન થઇ શકતું માટે હું ધીમન સાથે કોઈ બીજી વાતોમાં લાગી જતો.

આ સિવાય જયારે તેની રજાઓ બચતી ત્યારે ધીમન મોટાભાગે પોતાનો સમય ઊંઘવામાં, ટીવી જોવામાં અથવા વિડીયો ગેમ રમવામાં વિતાવતો. 

અત્યારે જયારે જમ્મુ જવાનો કાર્યક્રમ સેટ થઇ રહ્યો હતો ત્યારે રૂપા મન બનાવી બેઠી હતી કે કેમેય કરીને આ તક  નિષ્ફળ ન  જાય. બંગાળીમાં તેઓએ કરેલી વાતચિતમાં પણ રૂપા હાવી બની હતી. તેમની બંગાળી દલીલોનો અંત લાવવા અને વાતને વધારે નિર્ણાયક સ્તરે પહોંચાડ વા મેં પ્રસ્તાવ મુક્યો , "ઐસા કરતે હે હમ લોગ ટીકીટ બૂક કરવા લેતે હૈ, છુટ્ટી લેના ધીમન કા કામ હૈ, વો ખુદ દેખ લેંગે કૈસે મેનેજ કરના હૈ. ક્યોં?" 


ભારતવર્ષની ગરીબીને દૂર કરવાનો સચોટ ઉપાય મળ્યો હોય અને તેને બિલકુલ છોડવા જેવો ના હોય તેમ રૂપા અને ફેહમિદાએ આ વિચારને તાળીઓ  દઈ સમર્થન આપ્યું, "હા હા, ઠીક હૈ, ઠીક હૈ, ઐસા હી કરતે હૈ, વો ઠીક રહેગા.... " વગેરે વગેરે સહમતિદર્શક  ઉદગારો બંનેએ રૂમમાં ફેલાવી દીધા. મને ખબર નહિ કોણ શું બોલ્યું પણ તેમણે બંન્નેએ   એક બીજાએ બોલેલા વાક્યોને પુનરાવર્તિત કરી, તાળીઓની આપ લે કરી અને અંતિમ નિર્ણય વ્યક્ત કરી દીધો. મારી વાતને સંપૂર્ણ સમર્થન હતું . ધીમનને કોણ પૂછે છે હવે? રૂપાએ ધીમનના અધિકારો પોતાના હાથમાં લઇ લીધા હતા. ધીમને કદાચ એક બે વાક્યો બોલ્યા હશે જેમ કે , "નહિ અભી બુકિંગ નહિ કરવાયેંગે, પહેલે છુટ્ટી લેંગે ફિર ....." પરંતુ અમારા ત્રણેયમાંથી કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. આમેય આપણને  ન  ગમતી વાતોને આપણે નજર અંદાજ કરવાનું સારી રીતે જાણતા હોઈએ છીએ. 

"ઓ. કે. , કૌન સી ટ્રેન સે જાયેંગે? લાસ્ટ ટાઈમ હમ લોગ રાજધાની સે ગયે થે, પર અભી ઉસમેં ટીકીટ નહિ મિલેગી. વેઇટિન્ગ હોગા." મેં સૌનું ધ્યાન ટીકીટ બુકિંગ તરફ દોર્યું. 


"વેઇટિન્ગ હોગા તો ભી લે લેંગે, લાસ્ટ ટાઈમ ભી તો વેઇટિન્ગ મેં લિયા થા. મંજુ કે પાપા કો PNR નંબર દે દેના વો ક્વોટા મેં કરવા દેંગે." ફેહમિદાનું સુચન અને પ્રાથમિકતા સ્પષ્ટ હતા. 

મેં લેપટોપ ઓન કરી ઈન્ટરનેટ માટે ડેટા કાર્ડ લગાવ્યું અને રેલ્વેની વેબ સાઈટ ખોલી ચાર ટીકીટ બૂક કરી ત્યાં સુધીમાં રૂપા અને  ફેહમિદાએ તો જાણે જમ્મુ કાશ્મીરની ટુર પૂરી કરી લીધી હતી. તેમણે બધી યોજના બનાવી કાઢી. ઓફીસની સમસ્યા કેવી રીતે હલ કરવી તેના વિચારો માત્ર અને માત્ર ધીમનને પરેશાન કરી રહ્યા હતા. ધીમનની રજા અંગેની સમસ્યાને ભૂલી જઈ રૂપાએ તેને શોપિંગની યાદી તૈયાર કરાવવા માંડી. 


ધીમન  રૂપાનો  મલકાતો ચહેરો થોડી વાર જોતો  ર હ્યો . રૂપાની નજર પડી ત્યારે તેણે  એક  સ્મિત કર્યું અને  પૂંછ્યું "પાંચ દિન કી છુટ્ટી ઠીક રહેગી?" 


માંરો   હાથ  લેપટોપનાં કી બોર્ડ પર થંભી ગયો.   ફેહમિદાનાં  મો અને આંખો માંયાવી  આશ્ચર્ય જોયું  હોય  તેમ ખુલ્લા રહી ગયા. રૂપા અને ધીમનની  નજરો  જાણે એક બીજા સાથે વીંટળાઈ ગઈ. વાતાવરણમાં અચાનક જ કોઈ  રોમાંચક દ્રવ્ય ભળી ગયું હોય તેવો અહેસાસ થયો. 


થોભતી જતી પળોને ફરીથી  ગતિમય કરવા મેં "ટીકીટ્સ અવેલેબલ હૈ " શબ્દોને સ્નેહકની માફક  ઉપયોગમાં લીધા. સૌનું ધ્યાન દોરાયુ . મેં તેમને કહયું કે એક ટ્રેઈન માં ત્રણ ટીકીટ મળી શકે તેમ છે. એક વેઈટીંગ માં છે. આપણે લઇ  શકીએ. પાર્શિઅલ  વેઈટીંગ  ચાલશે. શક્ય છે કન્ફર્મ થઇ જાય. "બોલો, કરવા લે?"  સૌની સંમતિથી  મેં ટીકીટ બૂક કરી. 


બીજા દિવસે ધીમને પોતાના બોસ સાથે ઘણી માથા ઝીંક કરી ત્યારે માંડ માંડ તેને પાંચ  રજાઓ  મળી તે પણ એવી શરતે કે પરત આવ્યા પછી ધીમને સતત ચાર શનિવાર કામ કરવાનું અને જો જરૂર પડે તો  રવિવારે પણ  જવાનું . ધીમને શરત  મંજુર રાખી અને રૂપાને ફોન કરી ખુશ ખબર સંભળાવ્યા. રૂપાંએ તરત જ તેમાં પોતાની ખુશી ઉમેંરી, બાલ્કનીમાંથી જ બૂમ પાડી ફેહમિદાને અને  ફેહમિદાએ તેમાં પોતાનો ઉત્સાહ ઉમેરીને એ સમાચાર  મને આપ્યા. મારા સુધી પહોંચતા પહોંચતા તેનું  મહત્વ અનેક ગણું વધી ગયું હતું. 


આયોજન મુજબ  અમેં વૈષ્ણોદેવી જઈ આવ્યા. માતાના આશીર્વાદ મેળવ્યા. અમરનાથ યાત્રાના મુદે લાગેલા કર્ફ્યું ને કારણે અમારે કાશ્મીરનો પ્લાન રદ કરવો પડ્યો પરંતુ તે દિવસોમાં અમે હિમાચલના કેટલાક રમણીય સ્થળોની મસ્તી મારી. ધરમશાળા, વૈજનાથ મહાદેવ અને બિલીંગનો આનંદ અનેરો હતો. સુંદર સ્થળોના અનેક ફોટાઓ કેમેરામાં કેદ કરતા કરતા અમે પ્રવાસ પૂરો કર્યો. જમ્મુમાં રહેવાની સગવડ અમિતે કરી રાખેલી. અમે એક ટેક્ષી ભાડે કરી અને છ દિવસ માત્ર આનંદમાં વિતાવ્યા. 

જયારે અમે જમ્મુ આવવા રેલ્વે સ્ટેશન પર પહોંચેલા ત્યારે રૂપાના ચહેરા પર સૌથી વધારે આનંદ હતો. પરત આવતી વખતે મેં ધીમનનો ચહેરો જોયો તો મને સમજાયું નહિ કે તે આનંદ અનુભવતો હતો કે સંતોષ? લગ્ન જીવનમાં પત્નીની અપેક્ષાઓ પૂરી કરવી અને સ્પર્ધાત્મક દુનિયામાં નોકરી સંભળાવી બંને કપરા કામ છે. તેમને સફળતાથી પૂરા કર્યાનો સંતોષ ધીમન અનુભવતો હોવો જોઈએ એવું મને લાગ્યું. 


વ્યસ્ત જીવનમાંથી છટકીને દિલ્હી છોડી ક્યાંક દૂર જવાનું, ઘડિયાળના કાંટા અને ઓફીસના કાર્યક્રમ પ્રમાણે ચાલતા જીવનમાંથી બહાર નીકળી પોતાની પત્ની અને મિત્રો  સાથે એક અઠવાડિયાની રજાઓ માણવાનું મહત્વ મને યથાર્થ સમજાયું. 

No comments:

Post a Comment